દરેક માણસ એક મનસૂબા સાથે જીવન જીવે છે. પોતાના અરમાનો પૂરા કરવા આખી જિદગી ખર્ચી નાખે છે. એ ગામડાંમાં રહેતા હોય કે ભલે શહેરમાં રહેતા હોય. જેમ માણસની જરૂરિયાત ઓછી તેમ ખોટી દોડધામમાથી બચી શકે. મુંજવણ દરેકના જીવનમાં આવે છે. મહામારી પણ સમયાંતરે આવે જ છે. આ મુંજવણ અને મહામારીમાથી દરેક માણસ નીકળવાના અથાગ પ્રયત્નો કરે જ છે. જેમાં ઘણા સફળ થાય તો ઘણા નિષ્ફળ પણ જાય છે. પોતે અને જેની જવાબદારી પોતાની હોય તેને વધારે મહેનત પણ કરવી પડે છે. એ પરિવારની હોય,ગામની હોય કે પછી દેશની હોય. જે જવાબદાર છે તે વધારે જાગે છે. એટલે તો કહેવાય છે કે તમને એલાર્મ નથી જગાડતું, તમારી જવાબદારી તમને જગાડે છે.
આપણાં માનનીય વડાપ્રધાનશ્રી એ આત્મનિર્ભર બનવા માટે એક મોટામસ પેકેઝની જાહેરાત કરી અને એ દિશામાં કામગીરી ચાલુ પણ કરી દીધી. ખૂબ સારી બાબત છે કે દરેક માણસ આત્મનિર્ભર બને. જેથી કોઇની સામે હાથ લાંબો ન કરવો પડે. જે આ દાયરામાં આવતા હશે, અરજી કરશે અને જરૂરી વહીવટી વિધિ કરશે તેને પોતાના ભાગ્યના દ્વાર ખોલવાનો અવસર પણ મળશે. પરંતુ સ્વમાનભેર આત્મનિર્ભર બનવા માટે નાણાંની સાથે દાનત પણ એટલી જ જરૂરી છે. સાચા અને દાનતવાળા લોકો જેટલા પસંદ થશે એટલી સફળતા વધારે મળશે. આવા સાચા અને દાનતવાળા લોકો પસંદ થાય તો કેવું પરિણામ મળે તેનું એક જીવંત ઉદાહરણ તમને આપું.
મુંદરા તાલુકાનું મોટી વસ્તી અને મોટું મન ધરાવતું મોટી ભુજપુર ગામ જેમાં દરેક જાતિના લોકો રહે છે. જેમાં ચારણોની વસ્તી અને વાડીઓ વધારે છે. જૈનો પણ છે અને અનુસુચિત જાતિના પરિવારો પણ છે. દરેક પરિવારો પોતાની હાથવગી આજીવિકાથી પરિવારને ચલાવે છે. પણ આ ગામમાં બે વર્ષ પહેલા અદાણી ફાઉન્ડેશન-મુંદરા દ્વારા દિવ્યાંગ પરિવાર માટે સર્વેની કામગીરી ચાલતી હતી. તેના હોશીલા અને હસમુખા કાર્યકર એવા કરશનભાઇ ગઢવીએ ખાખરાવાસ ફળિયામાં જાય છે. તે એક એવા પરિવાર સાથે બેસે છે અને વાત સાંભળે છે કે પોતે દિવ્યાંગ છે અને તેની બે મોટી ઉમરની બહેનો એ પણ દિવ્યાંગ છે, તેની પણ જવાબદારી નિભાવે છે. આ સ્વમાની બહેન છે, બબીબેન જલાલભાઈ દેવીપૂજક. પોતાની ઉમર ૪૫ વર્ષ છતાં પણ સવારે શાકભાજીની ખરીદી કરીને ભુજપુરની બજારમાં પાથરણું પાથરીને પોતાનો ધંધો કરે, પણ મોટા ગામની વસ્તી પ્રમાણે લોકોની અવર-જવર પણ વધારે હોય અને નીચે બેસીને શાકભાજી વેચવામાં ખૂબ મુશ્કેલી પડે પણ,બબીબેન જરાપણ હીમત હાર્યા વિના કામ કરે. સવારે લઈ જાય અને સાંજે જે વધે તે ઘરે પાછુ લાવે અથવા જે ભાવ આવે તે ભાવે વેચી નાખે. જેના કારણે નાણાં પૂરતા ન આવે પણ ઘર ચાલે એટલે ધંધો કરે.બચત પણ ન થાય અને માંડ માંડ ઘર ચાલે.
આ બધી વિગત જાણ્યા પછી કરશનભાઇ બેનને પૂછે કે, બેન, અમે તમને કઈ રીતે ઉપયોગી બની શકીએ. ત્યારે બબીબેન ખૂબ નમ્રતાથી જણાવ્યુ કે” ભાઈ, મારા પગથી હું દિવ્યાંગ છુ ,પણ મનથી નથી.” મારા ધંધા માટે મારા પગને સહારો મળે એવું સાધન મને આપો. એ વાત કરશનભાઇ તરત સમજી ગયા. ઓફિસમાં આવી અદાણી ફાઉન્ડેશનના ઉઘોગગૃહની સામાજિક જવાબદારીના યુનિટ હેડ પંક્તિબેન શાહને બધી વાત કરી કે , બેન આ ભુજપુર ગામના બબીબેન ખૂબ જરૂરિયાતમંદ છે, આપણે તેને એક હાથલારી આપીએ.એક નારીની વેદના સમજતા બીજી નારીને વાર ન લાગી અને કહ્યું જલદીથી આપો. ગામના સરપંચશ્રી મેઘરાજભાઈ ગઢવીને વાત કરીને બીજા જ અઠવાડિયે મજબૂત હાથલારી તૈયાર કરાવીને પંક્તિબેન,મેઘરાજભાઈ અને બબીબેનના પરિવારજનોની હાજરીમાં હાથલારી આપવામાં આવી. આ આનંદ બધાના ચહેરા પર જોઈ શકાતો હતો. મેળવનાર, આપનાર અને આંગળી ચીંધનાર ત્રણે ભાવવિભોર બન્યા. આમપણ બીજાના ચહેરા પરનો આનંદ એ જ અદાણી પરિવારની મૂડી છે.
હાલમાં આ બબીબેન દરરોજ સવારે હાથલારીમાં તાજા શાકભાજી સાથે સિઝન પ્રમાણેના ફળો પણ બજારમાં લઈ ધંધો કરે અને મહિને ૮ થી ૧૦ હજાર રૂપિયાની કમાણી સ્વમાનભેર કરી લે છે. હવે તે પોતાની દિવ્યાંગતાને પણ ગણકારતા નથી. આમેય સાહેબ નાના માણસોની માંગણી પણ નાની હોય છે,પણ એ સમયસર જો સંતોષાય તો તેનું પરિણામ સારું જ મળે. બબીબેન પણ રાજીપા સાથે કહે છે કે” એક હાથલારી મળી ને ઉપાધી ટળી.” આ બબીબેનને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે. નારી કદી ન હારી એનો આ જીવંત દાખલો છે. સાચા ગ્રામોત્થાન માટે આવા સ્વમાની લોકો પાસે સામે ચાલીને જવું પડશે,નહિતર દાનતખોટા માણસો સામે ચાલીને તમને ભટકાશે. જે પોતાનું પણ ભલું નહીં કરે અને સામેવાળાનું કે પોતાના પરિવારનું પણ ભલું નહીં કરે. અમલીકરણમાં ભલે વાર લાગે પણ જરૂરિયાતવાળા લોકોને શોધો. ગામડાની અંદર આજે આવા કેટલાય પરિવારો છે, જે ટૂંકી મૂડીમાં પોતાનો ધંધો ચાલુ કરીને પરિવારને પોષે છે. આમેય ધનવાનની ભૂખ કોઈ દિવસ ભાંગતી જ નથી અને નાના માણસને વધારે ભૂખ પણ લાગતી નથી. જાપાનીજ જીવનના સત્યોમાં એક સરસ વાત છે કે” ઈશ્વર આગળ ધનવાનના દસ હજાર દીવાઓનો પ્રકાશ ગરીબના એક દીવાના પ્રકાશ કરતાં ઝાંખો હોય છે. “
સમયસરની મદદ અને મેળવનારની દાનત સારી હોય તો એક હાથલારી પણ તમને આત્મનિર્ભર બનાવી શકે. સ્વનિર્ભર થવા માટે સ્વ એ તૈયાર થવું પડે. કોઇની મદદ કે સરકારની સબસિડી એ આધાર આપે પણ ઊભું તો આપણે જ થવું પડે. તક દરવાજો ખખડાવે પણ ખોલવા તો આપણે જ ઊભા થવું પડે.